Tuesday, June 8, 2021

Annular Solar eclipse 10 June 2021

 


૨૦૨૧નું પ્રથમ સુર્ય ગ્રહણ

તા. ૧૦ જૂન ગુરુવારના રોજ વૈશાખ માસની અમાસનો ચંદ્ર પૃથ્વી અને સૂર્યની બિલકુલ વચ્ચે આવતાં આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ પૃથ્વી ઉપર દેખાશે. સૂર્ય ગ્રહણ હમેશા અમાસના દિવસે જ થાય છે, કારણ કે, માત્ર અમાસના દિવસે જ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી લીટીમાં હોય છે અને તેમનું કોણીય અંતર શૂન્ય ડીગ્રી હોય છે. ચંદ્રનો પરિક્રમા પથ અને પૃથ્વીનો પરિક્રમા પથ 

એકબીજાને જ્યાં છેદે છે તે છેદન બિંદુ ઉપર સૂર્ય અને ચંદ્ર આવે છે ત્યારે આપણને સૂર્યગ્રહણ જોવા મળે છે. આ છેદન બિંદુઓને ભારતીય ખગોળમાં રાહુ અને કેતુના નામે ઓળખવામાં આવે છે. આકાશમાં મોટા ભાગે સૂર્ય અને ચંદ્ર આપણને એક સરખા કદના  જોવા મળતા હોય છે કારણ કે, સૂર્ય એ ચંદ્ર કરતા લગભગ ૪૦૦ ગણો મોટો તો છે પરંતુ તેનાથી ૪૦૦ ગણો દુર પણ છે. આ પદાર્થો સંપૂર્ણ ગોળાકાર પરિક્રમા કરતા ન હોઈ પરસ્પર અંતરમા વધ ઘટ થતી હોય છે જેથી તેમના દેખીતા કદ માં પણ વધ ઘટ થતી હોય છે સુપરમૂનની ઘટના પણ આ કારણથી જ થતી હોય છે. ૧૦મી જૂને ચંદ્રનું કદ સૂર્યથી પ્રમાણમાં નાનું હોઈ તે સૂર્યના સંપૂર્ણ બિંબને ઢાંકી શકશે નહીં. ચંદ્ર સૂર્યની વચ્ચે તો આવી જશે પરંતુ ચંદ્રની તકતી સૂર્યની તકતીને પૂરેપૂરી ઢાંકી શકશે નહીં, જેથી સૂર્યની ચમકતી કોર અગ્નિ વર્તુળ જેવી દેખાય છે. જેને અંગ્રેજીમાં રીંગ ઓફ ફાયરના નામે ઓળખવામાં આવે છે. સૂર્ય બંગડી(કંકણ) આકારે દેખાતો હોવાથી તેને કંકાણાકૃતિ સૂર્ય ગ્રહણ કહેવાય છે. સૂર્યનો મધ્ય ભાગ કાળો અને બાહ્ય કિનારી ખૂબ ચળકતી રિંગ જેવી દેખાશે તેજસ્વી એન્યુલસ ને કારણે તેને અંગ્રેજીમાં એન્યુલર એકલિપ્સ કહેવામાં આવે છે. ખરેખર તે એક ખૂબ સુંદર ખગોળીય ઘટના છે છતાં તે સંપૂર્ણ સુર્ય ગ્રહણ નથી. સુર્ય ગ્રહણ ને ક્યારે પણ નરી આંખે જોવું નહીં ખાસ પ્રકારના ફિલ્ટરથી જ આ ગ્રહણ જોઈ શકાય છે. અન્યથા આંખને નુકસાન થાય છે.

 

આ ગ્રહણ ક્યાં ક્યાં દેખાશે?

ખગોળ શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, સૂર્ય ગ્રહણ, ભારતીય સમય મુજબ બપોરે  ૧ કલાક ૪૨ મિનિટથી શરૂ થઈને સાંજે  6 કલાક ૪૧  મિનિટ સુધી ચાલશે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી ગ્રહણ સંબંધી પુણ્ય કર્મો કે સૂતક લાગવાનું ન હોય પાળવાનું રહેતું નથી. પૃથ્વીના ઉત્તર કેનેડા, ગ્રીન લેન્ડ, એંટાર્કટિકા, પ્રશાંત મહાસાગર, રશિયા જેવા દેશોમાં જોઈ શકાશે. જ્યારે ઉત્તર અમેરિકા, યુરોપ, અને ચીન સહિત એશિયાના ઉત્તર પૂર્વ ભાગોમાં ખંડ ગ્રાસ સ્વરૂપે દેખાશે. ગ્રહણ પથ ના મધ્યભાગે ફાયર ઓફ રિંગ નો નજારો ઉત્તર ગ્રીનલેન્ડમાં ૩ મિનિટ ૫૧ સેકન્ડ માટે જોવા મળશે. કોરોના મહામારી વચ્ચે પૂરતી સાવધાની સાથે દુનિયાભરના ખગોળ શોખીનો અલભ્ય ઘટના ના સાક્ષી બનવા કેનેડા, ગ્રીનલેન્ડ જેવા દેશોમાં ભેગા થઈ રહ્યા છે.

 

ગ્રહણ થી કોઈનું અશુભ થતું નથી, મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થતું આ ગ્રહણ માત્ર એક ખગોળીય ઘટના છે. રાશિ નક્ષત્રો આકાશમાં આવેલ વિભાગ છે જેથી ગ્રહણ સમયે સુર્ય ચંદ્ર આકાશમાં કયા વિસ્તારમાં છે તે જાણી શકાય. વાસ્તવમાં ગ્રહણ ને અને મનુષ્યની રાશીને કોઈ લેવા નથી. સોસિયલ મીડિયામાં ગ્રહણ સંબંધે ઘણી બધી અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે ત્યારે સ્ટારગેજીંગ ઈન્ડિયા દ્વારા લોકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવી, ઘટનાને માણવા અપીલ કરવામાં આવે છે.

Blog Archive