Monday, December 14, 2015

मिथुन उल्का वर्षा 2015

Geminids Meteor Shower
Dont miss the last Big Shower of 2015

ભુજ: વર્ષ 2015ની છેલ્લી એવી મિથુન ઉલ્કા વર્ષાની સુંદર આતશબાજી 13 અને 14ની મધરાત્રે જોવા મળવાની હોઈ ખગોળ શોખીનો રોમાંચિત થઈ ઉઠ્યા છે.

દર વર્ષની જેમ આ વખતે પણ મિથુન રાશીની ઉલ્કા વર્ષા નો સુંદર નઝારો જોવા મળશે. આ બાબતે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના શ્રી નરેન્દ્ર ગોર જણાવે છે કે આ વર્ષે કેટલાક કુદરતી અનુકૂળ સંજોગોને કારણે ઉલ્કા વર્ષા વિશિષ્ટ બની રહેશે. ઉલ્કા વર્ષા વખતે ચન્દ્રની હાજરી ન હોવાથી અંધારી રાત્રે વધુ ઉલ્કાઓ જોવા મળશે. આમતો આ ઉલ્કા વર્ષાની શરૂઆત 7મી ડિસેમ્બરથી થઈ ચુકી છે અને છૂટી છવાઈ ઉલ્કાઓ જોવા પણ મળી રહી છે પરંતુ સૌથી વધુ ઉલ્કાઓ 14મી ની રાત્રે ખરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ મેટિયોર ઓર્ગનાઈઝેશન (આઈએમઓ) ના જણાવ્યા મુજબ ઉલ્કા વર્ષાની પરાકાષ્ટા 14મી ના રાત્રે 11.30 કલાકે જોવા મળશે જે ભારતિય ખગોળ શોખિનો માટે આનંદના સમાચાર છે કેમકે ત્યારે મિથુન રાશી આકાશમાં ઉંચે આવી ગઈ હશે તથા ચન્દ્રની હાજરી પણ નહી હોવાથી આકાશ દર્શનના રસીયાઓએ ઉલ્કા નિરિક્ષણની તૈયારીઓ આરંભી દીધી છે.

આ બાબતે વધુ માહિતિ આપતાં શ્રી ગોર જણાવે છે કે ઉલ્કા દર્શન માટે ટેલિસ્કોપ કે દુરબિન જેવા ઉપકરણોની આવશ્યકતા નથી. આ ઘટના નરી આંખે નિરખવાની હોઈ શહેરી પ્રકાશથી દૂર જ્યાં વધુ અંધારૂં હોય તેવું સ્થળ પસંદ કરવું જોઈએ. અલબત ઠંડીની શરૂઆત થઈ ગયેલી હોઈ જરૂરીયાત મુજબ ગરમ વસ્ત્રો વિ. ની કાળજી લેવી જોઈએ.

મિથુન રાશીના બે તારા પુરૂષ અને પ્રકૃતિ મૃગ મંડળથી ઉત્તર પુર્વ તરફ ઉગેલા સહેલાઈથી ઓળખી શકાશે. આ ઉલ્કા વર્ષા આકાશના કોઈ ચોક્કસ ભાગમાં નહીં પણ ચારે તરફ જોવા મળશે આથી તમારા નિરિક્ષણ સ્થળથી જે દિશામાં વધુ અંધારૂં હોય તે દિશા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાથી વધુ ઉલ્કાઓ જોઈ શકાશે. આ વરસે કલાકની 120 ઉલ્કાઓ ખરવાની સંભાવના આઈએમઓ દ્વારા દર્શાવવામાં આવી છે.

મિથુન ઉલ્કા વર્ષાનું સ્રોત 3200ફાયથન નામનો લઘુ ગ્રહ છે. તે 524 દિવસમાં સૂર્યની પરિક્રમા પુરી કરતો હોવાથી દર વર્ષે તે પૃથ્વિ વાસીઓને ભરોસાપાત્ર રંગીન, પ્રકાશીત, લાંબી  ઉલ્કાઓની ભેટ ધરતો રહે છે.

દર વર્ષે કચ્છના રણને માણવા આવતા પ્રવાસીઓ રણ ઉત્સવ દરમિયાન રણનો અવકાશી નઝારો માણતા જ હોય છે ત્યારે આ વખતે ઉલ્કા વર્ષા નિહાળવાની ખાસ વ્યવસ્થા રણમાં આકાશ દર્શન કરાવતા કચ્છના જાણિતા ખગોળવિદ્ નરેન્દ્ર ગોર સાગર દ્વારા વ્હાઈટ રણ કેમ્પેઈનના સહયોગથી ગોઠવવામાં આવી છે.

રાજ્યમાં વિવિધ સ્થળોએ પણ સ્થાનિક ખગોળ મંડળો દ્વારા ઉલ્કા વર્ષા નિહળવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેનો સંપર્ક સાધી શકાય વધુ માહિતિ કે જાણકારી માટે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના નરેન્દ્ર ગોરનો 9428220472 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

No comments:

Blog Archive